Mahefil

Just another WordPress.com weblog

અલગારી માણસનું ગીત – પલ્લવ અંજારીઆ

1779239_10152937572007625_4009641458913359778_n

click on image to read

Written on 10.07.2012

Published in Kutchmitra Dainik Purti “PARAG” on 12-Nov-2014

વસંતવર્ષા – પલ્લવ અંજારીઆ

સર સર સર સર વાદળમાંથી જળ રેલાયાં,

ખળ ખળ ખળ ખળ ભૂમી પર મૃગજળ ફેલાયાં,

કડ કડ કડ કડ મેહૂલનાદ ગજાવ્યાં,

ઘનન ઘનન વાદળ સહુ ભેટ્યાં,

સનન સનન સમીરરથ પર,

મદન મદન સહ મેઘરાજ આવ્યા….

પણ મેઘરાજ તમે પડ્યાછો ભૂલા,

સરનામા વિનાની ટપાલ જેવા, ઓચીંતા પ્રગટેલા અતીથિ જેવા, ભટકેલા કોઈ પ્રવાસી જેવા,

વસંતમાં ક્યાં આવ્યા?

તમે પણ વસંતથી આકર્ષાયા?

. . . . . .

પ્રેમ હતો વર્ષાને, વરસોથી ગુલમ્હોર જોડે,

ઋતુઓ એવી ભિન્ન-ભિન્ન, મળવું કેમ સજોડે?

આજ તેમનું મિલન થયું,

ગુલમ્હોરના તે રાતાં-રાતાં,

પર્ણો ઊપર વાતાં-વાતાં,

પવન કાનમાં કહેઃ “આવેછે વર્ષા મળવાને…”

…..

ડાળ-ડાળ પર આલીંગન ને સ્પર્શની નદીઓ ફૂટી,

પ્રેમના ઝરણા ઊમટ્યાં વનમાં, વર્ષા વસંતમાં ક્યાં સ્ફૂટી?

….

મેઘરાજ વસંતતણા પ્રણયમાં ખોવાયા,

વર્ષારાણી ગુલમ્હોરના રંગોમાં રંગાયાં

….

આજ વરસશે મન મૂકીને વસંતની આ વર્ષા,

ગુલમ્હોરના પાને-પાને આજ ઊછળશે હર્ષા,

મુંજાયેલા મયુર માટે પ્રશ્ન થશે આ વર્ષા,

દાદુર ને બપૈયા વચ્ચે થાશે મોટી ચર્ચા.

…..

મોરની મુંઝવણ પ્રેમી જેવી, વર્ષાને શું કહેવું?

પ્રેમ બતાવી ટહુક્વું કે મુક બની મંતરવું?

એન્ટેના પર બેસેલાં પારેવાંનો ફફડાટ,

વસંતમાં ક્યાંથી આ વરસાદ?……………………………..

શંકા -પલ્લવ અંજારીઆ

રાવણ બનીને રામે સિતા ત્યજી દીધી,

લંકા બળી ગઇ છતાં શંકા રહી ગઇ…

રાજા દશરથની હતી ત્રણ રાણીઓ ગુણવંત,

કૈકઈએ વર માગી ને કિધાં કંઇ ષડયંત્ર,

પિત્રુ વચન કાજ રઘુવરે અયોધ્યા ત્યજી દિધી,

લંકા બળી ગઇ છતાં શંકા રહી ગઇ…

સુગ્રીવ, જાંબુવન વળી નલ-નીલ ને હનુમંત,

લંકા પાર જવા સહુએ કિધો મળીને ખંત,

રામ નામ લખતાં પત્થર પર સેના તરી ગઇ,

લંકા બળી ગઇ છતાં શંકા રહી ગઇ…

Started in 2002…. edited one para 2012, 2014

તું વાદળ મોકલ – પલ્લવ અંજારીઆ

તારા સંદેશામાં કાળું વાદળ મોકલ,

કે હું જાતે ઉકેલીશ કોરો કાગળ મોકલ…


તારી રાહમાં સમંદર ઉલેચી નાખ્યો,

(હવે) તારી આંખમાંથી થોડું કાજળ મોકલ…


તારા સમ હું એને સાચવીશ જીવ જેમ,

તું વહેલી પરોઢનું ઝાકળ મોકલ…


રણમાં ભટકતા આ તરસ્યાની માટે,

તું ખોબો ભરીને  મૃગજળ મોકલ….


અમે આંખોમાં ખૂબ-ખૂબ વાંચ્યું પ્રિયે,

હવે પ્રેમમાં કંઈકતો આગળ મોકલ….

બાળપણનું ઘર – પલ્લવ અંજારીઆ

ગામ એજ, એજ શેરી છે વળાંકો એજ,

તોએ લાગે ભટ્ક્યો મારગ હું ભૂલથી સ્હેજ,

એજ ફળિયો, એજ ડેલી, ઘર બરાબર એજ,

છત્રીદાર ઝરુખો ને ઘરની તક્તી એજ,

ઊંચા નળીયાં, ઊંચો ઊંબરો ને રવેશેય એજ,

ઓટલે એક ડોશીમાનાં બોખાં મુખનું તેજ

હેતથી જોયા કરું ઘરવખરી એની એજ,

આ કબાટો, ચારપાઈ ને ટુટેલી મેજ,

બે તિરાડો, વાંકી ખીલ્લી, ફોટોફ્રેમ બસ એજ,

રંગ ઉડેલી ભીંત ઉપર આછો-આછો ભેજ

1796566_10152887841572625_1330004811442333707_n

Published in Kutchmitra Deepotsavi 2014

માણસ મરતો રોજ મળસ્કે.. (અછાંદસ) – પલ્લવ અંજારીઆ

શમણાનાં શામીયાણામાં આ શેનો શોર-બકોર?

કાનનાં કુંડાળાંમાં આ કેવો કણબણાટ?

ધમણમાં ધુમાડાનો ધમધમાટ, આંખમાં અજવાળાંનો અભાવ,

દાંત પર દંતમંજનના દાવા, મન પર મનોરંજનના મારા,

કર, કરજ, કરિયાણું કમાવા, માણસ મરતો રોજ મળસ્કે..


બજાર બેઠી બગીચામાં,

મહોબ્બત મીયાં મજનૂ મળે છે, બે રૂપીયાની કિલ્લો,

પઢેલું પાનું પુસ્તકમાં કે ‘બોલે એના બોર વેંચાય’,

ન ‘ન બોલવામાં નવગુણ’

મારાં તો ન કોઈ વેંચાયાં બોર ન આવ્યો એકેય ગુણ,

મોટર, મકાન, મોબાઈલ મેળવવા, માણસ મરતો રોજ મળસ્કે..


કૂતરા-કાગડાના કિસ્મત કેવાં,

રોજ રખડવું રળવું રમતો રોટલો,

અજવાળું આથમતાં મળતો આળોટવાને ઓટલો,

બાપના પૈસે બોસ બનેલા બદામ ખાય છે બકિંગહામમાં,

પરીક્ષા પાસ કર્યાનુંપાપ કરેલા માટે અપ્લાય-અપ્લાય બટ નો રીપ્લાય,

સીગ્નલ, સડક, સંધ્યા-સમયમાં, માણસ મરતો રોજ મળસ્કે..


ચોપાટીએ ચોરેલી ચંપલથી ચાલતો,

સિધ્ધીવિનાયકના સીધાથી સાંજે,

પેટપૂજા પ્રારંભે,

દવાખાનાંના દલદલમાં દફન થઈ લાશ બની વેચાતો,

પેન્શન, રાશન, ઈન્શ્યોરંસ આધીન,

ભ્રષ્ટ ભુંડા ભૂતોના, શાસનમાં ષોષાતો,

પ્રેમીકા, પેટ્રોલ, પોલીટીક્સ પાછળ, માણસ મરતો રોજ મળસ્કે..

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ (ભૂકંપ)- પલ્લવ અંજારીઆ

આગને કહિદો હવે સ્મશાનમાં મડદાં નથી,

કહિદો ચિતાઓને હવે બળવાને કોઈ રહ્યા નથી.


મૃત્યુ છોને શોધતું માનવ નથી કશે,

ગલીઓ હશે સૂની ને ડેલીએ સાંકળ હશે,

આંસુને કહિદો હવે વહેવાનાં કોઈ કારણ નથી, કહિદો ચિતાઓને ….


સૂનકારનાં એ શહેરમાં પડઘા હવે હશે,

આ ઘર હતું, પહેલાં અહીં, સંબંધો રહેતા હશે,

વાયુને કહિદો હવે લેવાના કોઈ શ્વાસેય નથી, કહિદો ચિતાઓને ….


એ રસ્તે વળાંક પર પગલાં હજુ હશે,

ફૂલ ભલેને નવ રહ્યું, ફોરમ ચોક્કસ હશે,

મેઘને કહિદો હવે ટહુકવાને કોઈ મયુર નથી,કહિદો ચિતાઓને